જિલ્લાની રચના |
જુના મુંબઇ રાજયનું વિભાજન થતાં તા.૧-૫-૧૯૬૦ થી ગુજરાત રાજયની અલગ રચના કરવામાં આવી. ગુજરાત રાજયની અલગ બચના થતાં રાજયનું પાટનગર અમદાવાદ મુકામે રાખવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરની વસ્તીની ગીચતા ઓછી કરવા અમદાવાદથી ૨૪ કિ.મી.ઉત્તરે સાબરમતી નદીના કિનારે ગુજરાત રાજયનું નવું પાટનગર ગાંધીનગર કરવામાં આવ્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કાયમી સ્મૃતિ જળવાઇ રહે તે હેતુથી નવા પાટનગરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું. |
નદીઓ |
આ જિલ્લામાં મુખ્ય નદી સાબરમતી છે. જે ગાંધીનગર તાલુકાના મધ્યભાગમાંથી પસાર થાય છે. જે ઉત્તરથી દક્ષિણ વહે છે. જયારે બીજી નદીઓ પૂર્વથી દક્ષિણ તરફ વહે છે. દહેગામ તાલુકામાં ખારી, મેશ્વો અને વાત્રક નદી આવેલ છે. |
વસ્તી |
૨૦૧૧ની વસ્તી ગણત્રી મુજબ ગાંધીનગર જિલ્લાની વસ્તી ૧૩,૯૧,૭૫૩ છે. જે પૈકી કુલ પુરૂષો ૭,૨૩,૮૬૪ અને કુલ સ્ત્રીઓ ૬,૬૭,૮૮૯ છે. જિલ્લામાં અનુસુચિત જાતિની કુલ વસ્તી ૧,૦૮,૬૦૮ છે. જે પૈકી પુરૂષો ૫૬,૯૧૯ છે અને સ્ત્રીઓની સંખ્યા ૫૧,૬૮૯ છે. જિલ્લામાં અનુસુચિત જનજાતીની કુલ વસ્તી ૧૮,૨૦૪ છે. જે પૈકી પુરૂષોની સંખ્યા ૯,૭૧૧ અને સ્ત્રીઓની સંખ્યા ૮૪૯૩ છે. |
જમીન |
આ જિલ્લાની જમીન રેતાળ (સેન્ડીલોન) પ્રકારની છે. જિલ્લામાં પાણીના તળ ઉંડા જવાથી કોઇ ગામે ખુલ્લા કુવામાંથી પાણી મળતું નથી. પાતાળ કુવાની ઉંડાઇ ૩૫૦ ફૂટ સુધીની છે. ક્ષારવાળી જમીનના સુધારા માટે જીપ્સમની વપરાશ વધે તે માટેના ધનિષ્ઠ પ્રયાસો હાથ ધરેલ છે. જિલ્લામાં બાજરી, એરંડા, કપાસ, ડાંગર, ધઉં, રાયડો, કઠોળ અને શાકભાજી જેવા પાકોની સાથે લીંબુ, ચીકુ, જામફળ, દાડમ, આમળા વગેરેનું પણ વાવેતર થાય છે. ફુલોની ખેતીને પણ સારા પ્રમાણમાં પ્રોત્સાહન મળે છે. |
આબોહવા અને વરસાદ |
આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકારની છે. ઉષ્ણતામાનમાં ફેરફાર થતો જોવા મળે છે. શિયાળામાં ઓછામાં ઓછું ૭.૫ સેન્ટ્રીગ્રેડ અને ઉનાળામાં વધુમાં વધુ ૪૫.૦' સેન્ટ્રીગ્રેડ ઉષ્ણતામાન રહે છે. આ જિલ્લાનો વરસાદ ૬૬૭ મી.મી. જેટલો થાય છે. વરસાદ અવાર નવાર ઓછો આવવાના કારણે તથા જિલ્લામાં પાણી સંગ્રહ માટેના નાના-મોટા તળાવોની સંખ્યા નહિવત હોવાને લઇને પાતાળકુવાના તળ દર વર્ષે ઉંડા જાય છે. |
જોવા લાયક સ્થળો અને માહિતી |
ગાંધીનગર તાલુકામાં અડાલજ ગામમાં આવેલ ઐતિહાસિક વાવ કલા-કારીગરીનો ખુબ આકર્ષક નમુનો છે. અંબાપુર ગામે પણ જોવાલાયક વાવ છે. રૂપાલ ગામે આસોસુદ-૯ ના દિવસે વરદાયિની માતાના મંદિરમાં પલ્લીનો મેળો ભરાય છે. ગાંધીનગર માણસા રોડ પર વાસન ગામથી નજીક ઐતિહાસિક વૈજનાથનું પુરાણું મંદિર આવેલું છે. આ મંદિર સામે ૫૧ ફૂટની હનુમાનજીની મૂર્તિ મુકવામાં આવેલ છે. માણસા તાલુકામાં મહુડી ખાતે પણ પ્રખ્યાત ધંટાકર્ણ મહાવીરનું જૈનોનું યાત્રાધામ છે. કલોલ મોટુ ખનીજ તેલનું ક્ષેત્ર છે અને શેરથા ખાતે ઇફકોનું રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે. |